(ત્રીજી પોસ્ટ, ) બૉલીવૂડ સંગીત અને એવું બધું...
બે-એક વર્ષ પહેલા શરૂ કરેલા બ્લોગ અભિયાન "યુવાગીરી" નું માત્ર બે પોસ્ટ પછી બાળમરણ (જેવું) થયેલું. એટલે આ વખતે તો મનમાં ગાંઠ વાળેલી કે ઓછામાં ઓછી ત્રણ પોસ્ટ સુધી તો પહોચવું જ. પહેલી બે પોસ્ટ પછી એવી હાલત હતી કે જાણે મગજ બહેર મારી ગયું હોય. કોઈ વિચાર જ નહોતા આવતા. પણ પોલો કોએલોએ એલકેમિસ્ટ માં લખ્યું છે તેમ, 'જો કોઈ વસ્તુ ને તમે દિલથી ચાહો તો આખી સૃષ્ટિના પરિબળો તે વસ્તુ મેળવવામાં તમારી મદદે આવી જાય છે' :P, તો આ રહી મારી "ત્રીજી" પોસ્ટ....
આમ તો અત્યારે પણ કઈ ખાસ વિચારો નથી આવતા પણ ત્રણ પોસ્ટનો બાંધી રાખેલો ટારગેટ અચીવ કરવો જરૂરી લાગતો હતો એટલે સમય મળતા જ બેસી ગયો.
હમણાં મારા ફોનમાં નેવુંના દસકાનાં ગીતો ચાલે છે ( આ પ્લેલિસ્ટ નું નામ મે "Nervous 90's" રાખ્યું છે.) અને હું તેમને ખૂબ એન્જોય કરી રહ્યો છું. આજનાં ગીતો સાથે સરખામણી કરીએ તો થોડા વરસોમાં લોકોનો ટેસ્ટ ખાસ્સો એવો બદલાયો છે.
90's નાં ગીતોમાં અજબ ચુંબકત્વ છે. આ ગીતોને સાંભળીને ઘણી વખત સપનામાં ખોવાઈ જવાય છે. લગભગ દરેક લોકોએ આ અનુભવ કર્યો જ હશે. રોમેન્ટીક ગીત સાંભળતા સાંભળતા કોઈ સ્પેશિયલ વ્યક્તિ આંખ સામે તરવા માંડે છે. જો જીતા વહી સિકંદરનું 'પહેલા નશા...' હોય કે પછી ડર ફિલ્મનું 'જાદુ તેરી નજર..' કે પછી યસ બોસનું 'મેં કોઈ ઐસા ગીત ગાઉં...'. આ તમામ ગીતોની સરળ શબ્દરચના, કર્ણપ્રિય વોકલ્સ અને પ્રેમથી તરબોળ સંગીતનું જાદુ આજનાં ગીતોમાં ખુબ જ રેર છે. અને સૌથી મહત્વની વાત, 90'sનાં ગીતો એકલતામાં ગણગણી શકાય છે. હવેનાં ગીતોનાં શબ્દો સમજવા અઘરા હોય છે.
જોકે વ્યક્તિગત રીતે હું હમણાંનાં ગીતોને પણ એટલા જ સાંભળું છું. 'ટેક્નિકલ વેરિયશન' અને 'શાબ્દિક વિવિધતા'ની રીતે જોવા જઈએ તો નવા ફિલ્મી ગીતો ખૂબ જ આગળ છે. જૂના ગીતોમાં છાશવારે વપરાતા શબ્દો જેમકે, 'દિલ' ,'પ્યાર', 'એતબાર', 'સનમ', 'જાન', 'જાનેમન', 'ચેન', 'મૌસમ'... આમાંનો એકપણ શબ્દ એક પણ વખત વાપર્યા વિના ફિલ્મ રોકસ્ટારનાં લિરિસિસ્ટ 'ઇર્શાદ કામિલ'એ ફિલ્મફેર એવાર્ડ જીતી લીધો. નવા જમાનાનાં સંગીતની આ ઓળખ છે, આ તાકાત છે.
સારા સંગીતને કોઈ સમયરેખા નડતી નથી.1996માં આવેલી રાજા હિંદુસ્તાનીનું ગીત 'પરદેશી પરદેશી..' આજે પણ બધાને યાદ છે. બોલિવૂડ ચહેરો બદલી રહ્યું છે અને સતત બદલતું રહેશે. પણ સંગીત હમેશા બોલિવૂડનો અને આપણી લાઇફનો ભાગ બનીને રહેશે. એ લોકો નો આપણે દિલથી આભાર માનવો જોઈએ કે જેના સંગીતને લીધે આપણે લાઇફનાં કોઈપણ પ્રસંગ પર કોઈને કોઈ ગીત ડેડીકેટ કરી શકીએ છીએ.
અત્યારે મારાં ફોનએ 'પાપા કહતે થે બડા નામ કરેગા...' વગાડવાનું ચાલુ કર્યું છે તો થોડો સેન્ટિ થઈ ગયો છું :(
તો, ફરી મળીશું (લેટ્સ હોપ જલ્દી જ..)....
ત્યાં સુધી પ્રેમ કરતાં રહો, સંગીત સાંભળતા રહો અને જીવતા રહો (??)...
ગૂડ બાય...
Comments
Post a Comment